બાળમંદિર એ બાળકના ભાવિ મહેલનો મિનારો છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ શિક્ષણ વ્યવસ્થા નો પાયો છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે ૩ થી ૬ વર્ષ ની ઉંમરના બાળકોને નિયંત્રિત વાતાવરણમાં અનૌપચારિક રીતે બાળક પોતાની કાલીઘેલી ભાષા માં સમજી શકે તેવી નાની- નાની લઘુવાર્તાઓ, જોડકણાં, બાળગીત, અભિનય ગીત તેમજ નાના-નાના ઉખાણાં કરાવવામાં આવે છે. બાળકના હાથની આંગળીઓની કેળવણી માટે જુદા-જુદા પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. કાંડાની અને હથેળીની કેળવણી માટે માટીકામ, કાગળના ડૂચા, છાપકામ, ચીટકકામ વગેરે જુદા-જુદા પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે તેમજ બાળકોને જુદા-જુદા પ્રકારની રમતો રમાડવામાં આવે છે જેના થી બાળકો નો શારીરિક અને માનસિક વિકાસ થાય છે. બાળમંદિર માં બાળકોને રમવાના સાધનો, પાણીની બોટલ, ચોપડીઓ વગેરે જેવી વસ્તુઓ વ્યવસ્થિત મુકવાનું શીખવાડવામાં આવે છે. નાની - મોટી વસ્તુઓ સુંદર લાગે તેમ ગોઠવવાની તાલીમ આપવામાં આવે છે. બાળમંદિરમાં બાળકોને સમૂહ માં રમત રમાડવામાં આવે છે. તેથી તેનામાં સહકારની ભાવના કેળવાય છે. બાળભવનમાં બાળકો પાસે જાતે જ પ્રવુતિઓ કરાવવામાં આવે છે. તેથી તેમનામાં આત્મવિશ્વાસ આવે છે. બાળક પોતાની લાગણીઓ અને વિચારોને પોતાની મૌલિક ભાષામાં અભિવ્યક્ત કરતો થાય છે. બાળભવનમાં બાળકોમાં પોતાના કૌશલ્યો અને ગુણોનો વિકાસ થાય છે. બાળમંદિર એ બાળક માટે અજાણી સૃષ્ટિ માં વિહરવા માટે થનગનતી શાળા છે.