
બાળભવનમાં બાળક પર શિક્ષણનો ભાર ઓછો હોય છે.તેઓ ગમ્મત સાથે જ્ઞાન મેળવતા હોય છે. જયારે બાળક પ્રાથમિક વિભાગમાં આવે છે ત્યારે બાળક પર થોડુંક શિક્ષણનું ભારણ વધી જાય છે. તે ગમ્મત સાથે જ્ઞાન તો મેળવે જ છે, પણ તેમનામાં થોડીક શિક્ષણ પ્રત્યે ની સભાનતામાં સુધારો થતો હોય છે. શરૂઆતમાં પ્રાથમિક વિભાગનાં બાળકને ભણતરનો ભાર લાગે છે. પણ પછી ધીરે ધીરે તેના પ્રવૃતિ સાથેના જ્ઞાનમાં તે ઢળી જાય છે. હવે આ સ્તરમાં તેને લખવા તેમજ વાંચવાનો મહાવરો વધી જાય છે અને તેની ભણતરની જવાબદારી પ્રત્યે સભાન બને છે. ધીરે ધીરે એ એની બાળસહજ વૃત્તિથી અલગ થઈને એક વિદ્યાર્થીની ભૂમિકામાં પોતાને આવરી લે છે. પ્રાથમિક વિભાગ એ એક નાનાં બાળકનો વિદ્યાર્થી બનવા તરફનો અમુલ્ય પ્રવાસ છે.